રૂખડી

“એ..લા..કહું..છું…સાંભળો છો..?” કંચન કૂવેથી પાણી ભરીને બેડું પાણિયારે મુકતા, મધ મીઠા લહેકા સાથે ટહુકી. “અટાણમાં ક્યાં હાલ્યા..?” જાણીતો અને ગમતો અવાજ સાંભળી કરસનની વિચારયાત્રા તૂટી. તેણે જવાબ આપ્યો, “શહેર જાઉં છું..કાંઈ કામકાજ હોય, કાંઈ લાવવું કરવું હોય તો બોલ..” કરસને ઉતાવળથી પૂછ્યું. “હા, સાંભળો..આપણી રૂખી માટે એક ઘંટડી લેતા આવજો અને પેલા રસિક ને ત્યાંથી એક ભરત ભરેલી ફૂલ ગુલાબી રંગની મજબૂત પણ સુંવાળી દોરી પણ લેતા આવજો. કેમકે કડક દોરી લાવશો તો રૂખડીને ગળે છોલાશે.” “એ..ભલે..બીજું કાઈ..?” એમ કહેતો કરસન બસસ્ટેન્ડ ભણી લાંબા ડગ ભરતો ચાલી નીકળ્યો.

રૂખી…રૂખડી અમારી ગાય… ગોરી મઢમ જેવો એનો વાન…, કાળી ભમ્મર આંખો…, ઘાટીલા અણીદાર શીંગડા…, દૂધ જેવા સફેદ અને અંદર બદામી છાંટવાળા એના કાન, જાણે કુદરતે કનક કુંડળ પહેરાવીને ન મોકલી હોય તેવા લાગતા! સુંદર અને ગુચ્છાદાર પૂછડું…, મોટું કપાળ…, કપાળ માં કરચલીઓ પડે ત્યારે સાક્ષાત કૃષ્ણ ભગવાન વચ્ચે બેઠા હોય એવો ભાસ થાય…! કોઈ ગયા ભવની સુપરમોડેલ આ ભવમાં ગાય બની અમારે ત્યાં અવતરી હોય એવું લાગે…!

આમતો રૂખી અમારા પરિવારની એક અદની સદસ્ય હતી. એના ભાંભરવાથી જ જાણે અમારી સવાર પડતી અને સાંજ પણ…રૂખડી સૌને બહુ ગમતી. રૂખડીને નવડાવવી, ધોવડાવવી, એને ખવડાવવું, પીવડાવવું, દૂધ દોહવું, એના પોદરાના છાણાં થાપવા, એમ બધુંજ કામ કંચન અને કરસન સાથે મળીને હોંશે હોંશે કરતા. રૂખીનું કામ કરતા તેમને જરાપણ થાક ન લાગતો. રૂખડીનું દૂધ એટલે જાણે અમૃત..! શેરીનું છોકરું બહુ રો..કકળ કરતુ હોય અને રૂખડીનું પાશેર દૂધ પીવડાવી દઈએ તો તરત જ શાંત થઈને રમવા લાગતું. રૂખડીને પંપાળવાથી બધીજ ચિંતાઓ દૂર થઇ જતી અને કોઈ પવિત્ર શાંતિ નો અનુભવ થતો. રૂખી પણ ભારે ચબરાક હતી. તરતજ હાથ પારખી જતી અને આપણા મનોભાવોને કળી જતી હોય એમ પૂછડું હલાવીને જવાબ આપતી. કરસનને જોતાજ રાજીની રેડ થઇ જતી. જાણે તેની સાથે આગલા ભવની કોઈ ઓળખાણ ન હોય!

હામપરથી નીકળેલ બસ ચાલીસ-પચાસ મિનિટ માંજ બાજુના શહેર પહોંચી ગઇ . કરસન બસ માંથી ઉતરી સીધો કંસારા બજારમાં આવેલી પરમાનંદ કંસારાની દુકાને પહોંચ્યો. “કેમ છો…પરમાનંદ કાકા…, જય શ્રી કૃષ્ણ.” “આવો..આવો..કરસન ભાઈ..બોલો શું સેવા છે..?” “એક પિત્તળ ની ઘંટડી જોઈએ છે, અમારી રૂખડીને ગળે બાંધવા”. “ઓહો.., આપણે રાખીએ છીએ ને”, એમ કહી પરમાનંદ ભાઈ પાછળ વખાર માંથી એક ઘંટડી લઇ આવ્યા. કરસને ઘંટડી હાથમાં લઇ એને વગાડી જોઈ. એનો ટન..ટન..અવાજ કરસનને બહુ ગમ્યો. “બોલો કેટલા પૈસા આપું?” કરસન બોલ્યો. “આમ તો પંચોતેર રૂપિયા થાય પણ ગાય માટે લઇ જાઓ છો એટલે માત્ર પચાસ રૂપિયા માં ભાવોભાવ તમને આપવી છે. અમારે પણ કાંઈ પુણ્ય તો કમાવવું પડશે ને..! વળી પાછા ગો..લોક જાશું ને પૂછશે તો શું જવાબ દઇશુ?” પરમાનંદકાકા એ સ્પષ્ટતા કરી. કરસને ચુકવણું કરી રસિકલાલની દુકાનેથી રેશમની દોરી લીધી ને જરૂરી હટાણું કરી પાછો બસસ્ટેન્ડ તરફ વળ્યો.

“લ્યો..આવી..ગયા..” કંચનનો ટહુકો સાંભળ્યો ન સાંભળ્યો કરી, કરસન સીધો જ ઢાળિયામાં રૂખડી પાસે પહોંચી ગયો અને રૂખડીને ગળે ઘંટડી બાંધવા લાગ્યો. રૂખી પણ કોઈ ગમતી વસ્તુ મળી હોય તેમ રાજી રાજી થઇ ગઈ અને પૂંછડું હલાવી રોજની જેમ કરસનનો આભાર વ્યક્ત કરવા લાગી. રૂખડીએ ડોકું હલાવતા જ ટન..ટન..ટન.. ઘંટડીનો મંજુલ રવ સમગ્ર વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. આ રણકારે વાતાવરણને જીવંતતાથી ભરી દીધું. ઘંટડીનો કર્ણપ્રિય રણકો મોગરાના અત્તરની સુવાસની જેમ આખાય ઘરમાં ફરી વળ્યો. પવનની શીત લહેરો પણ ઘંટડીના સુર સાથે મંદ મંદ વાતી તાલ મીલાવતી હતી અને લીમડાની ડાળીઓ પણ જાણે ડોલતી ડોલતી નાચતી હતી.

સમય નદીના ધસમસતા પ્રવાહની જેમ સરતો જતો હતો. સમયની દીવાલ માંથી સતત કાંકરીઓ ખરતી જતી હતી. દિવસો..મહિનાઓ..વર્ષો..આંખના પલકારાની જેમ પસાર થઇ ગયા. સારા સમયને પાંખો હોય છે, પણ સમય બદલાય..કપરો સમય શરુ થાય ત્યારે તેની ગતિ મંથર બની જાય છે. એક વરસ મોળું આવ્યું, બીજું વરસ ચાર આની ગયું અને આ સતત ત્રીજું વર્ષ વરસાદ નહીં થાય તેનો ભય ચારેય બાજુ ફરી વળ્યો. ગામના શિવા જોષી એ આ વર્ષ બહુ જ ભારે છે તેવી આગાહી કરી હતી.

આષાઢ કોરો ધાકોડ ગયો..શ્રાવણ આવવાની તૈયારી હતી. જગતનો તાત ચિંતામાં પડ્યો હતો. ધરતી સૂકી ભંઠ હતી. કુવામાં પાણી ડૂકી ગયા હતા. માણસ, પશુ, પક્ષી અને જીવમાત્ર કોઈ અજ્ઞાત ભયથી ધ્રુજી ગયા હતા. પણ ગામના લોકો આશાવાદી હતા. મેઘરાજાને રિઝાવવા મેઘલાડુ બનાવ્યા..ઢૂંઢિયા બાપજી આખાયે પંથકમાં ફરી વળ્યાં. યજ્ઞો અને રામધૂનો મંદિરોમાં થવા લાગી પણ કાળ રુઠ્યો હતો, શું થાય..?

કરસન એક પછી એક બીડી જેગવતો ધુમાડાઓ અને વિચારોના વમળમાં ખોવાઈ ગયો હતો. તેની નજર સામે વર્ષો પહેલાના દ્રશ્યો ટીવી સિરિયલની જેમ દેખાવા લાગ્યા..કેવી હતી મારી છોડી..! રૂપ રૂપનો અંબાર..! કોઈ સ્વર્ગની અપ્સરા જ જોઈ લ્યો..! દુશ્મનનેય વહાલી લાગે એવી હતી મારી રુક્મણિ. કરસનની સામે રુક્મણીનો નિર્દોષ ચહેરો, તેની કમળ પાંદડી જેવી આંખો તરવરી રહી હતી. એના ભૂરા – સોનેરી વાળ, રતુમ્બડા ગાલ, અને કાલા કાલા બોલ…આજે પણ એના હૈયેથી ખસવાનું નામ લેતા નહોતા. એકાએક રાત્રે ખુબ તાવ આવ્યો, ઊટાટિયું થયું અને રુક્મણિ આ દુનિયા છોડીને ચાલી ગઈ.. મારી વહાલસોયી દીકરી અમને છેતરીને હાલી નીકળી..કરસનના ગળે ડૂમો બાઝી ગયો.

કહેવાય છે કે સમય એ દર્દને રુઝવવાની એક અકસીર દવા છે. દર્દ અને મર્દ વચ્ચે વિષ અને શિવ જેવો સંબંધ છે. વર્ષો વીતતાં ગયા અને યોગાનુયોગ આ ગાય કરસન અને કંચનના જીવનમાં આવી. એનું નામ પણ એમણે રૂખી…રૂખડી રાખ્યું. રૂખડી એમને મન શ્વાસ અને પ્રાણ હતી. કરસનને જોતા જ એ રાજીરાજી થઇ જતી અને ડોકું ધુણાવી ઘંટડી વગાડવા લગતી. બંને જણા નવરા પડતા વાતો કરતા. કંચન, આ જોતી ને કરસનને કહેતી.., “હવે બહુ માયા લગાડો નહીં..” અને આંખમાં આંસુ સાથે ચૂપ થઇ જતી.

સમય..કાળ.. હવે રાક્ષશ બની ગયો હતો. એક એક દિવસ એક જુગ જેવો લાગતો હતો. દાણાપાણી માટે વલખાં મારતાં માણસોની સ્થિતિ દયનિય હતી, ત્યાં પશુ-પક્ષીઓની વાત જ શું કરવી! ચારેબાજુ અસ્તિત્વના બચાવની હોડ લાગી હતી. કુદરત સામે માણસ લાચાર હતો. દુકાળિયા વર્ષમાં પેટનો ખાડો પૂરવો પણ દોહ્યલો હતો ત્યાં રૂખડીના નીરણ માટેની વ્યવસ્થા કેમ કરવી? કરસન મનમાં ને મનમાં કેટલાય ગણિત ગણતો. કંચનને ઊંઘમાંથી ઉઠાડીને કહેતો “આપણે રૂખડીને પાંજરાપોળ નથી મોકલવી, ગમે તેમ કરીશું..” પણ કાળની થપાટ એવી વાગી કે રૂખડીને શહેરની પાંજરાપોળમાં મુક્યા સિવાય કોઈ રસ્તો નહોતો. અને અંતે રૂખડીને શહેરની પાંજરાપોળમાં મોકલવાનું નક્કી થયું.

વાતને મહિનો થઇ ગયો. ઘર અને ફળિયું ફરી સૂના થઇ ગયા હતા. ઢાળિયામાં રૂખડીની રેશમની દોરી અને ઘંટડી પડ્યા હતા પણ રૂખડી નહોતી. રૂખડી વગર ઘર સ્મશાન ભાસતું હતું. ત્રણ દિવસથી કરસનને ઊંઘ આવતી નહોતી. રાત દિવસ તે રૂખડીના વિચારોમાં ખોવાયેલો રહેતો અને સ્વપ્નમાં પણ રૂખડીની ઘંટડી સાંભળી જાગી જતો. સવારમાં આજે કરસન વહેલો તૈયાર થઇ ગયો. કંચને પૂછ્યું, “ક્યાં જાઓ છો?” એના અવાજમાં પણ એ રણકો રહ્યો નહોતો. “મને ખબર છે…તમે શહેર જાઓ છો, રૂખડીને મળવા..” કંચન ઉદાસ સ્વરે બોલી ઉઠી. “હું કહેતી તી ને..બહુ માયા ન લગાડો.” પણ કરસન સાંભળ્યું ન સાંભળ્યું કરી શહેર તરફ જતી બસ પકડવા લાંબા ડગલાં ભરવા માંડયો.

આજ શહેરનો રસ્તો એને લાંબો લાગતો હતો. મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. મન રૂખડીને જોવા અધીરું બન્યું હતું. શહેર પહોંચતાજ એને પાંજરાપોળ તરફ પ્રયાણ કર્યું. પણ કરસન પહોંચે એ પહેલાજ શહેર ના મુખ્ય ચોકમાં એક અચરજભરી ઘટના બની. ગાયોનું ટોળું પાંજરાપોળથી નીકળી એક બીજી મોટી જગ્યાએ ગામ બહાર જતું હતું. ગાયના ધણમાં ચાલતી રૂખડીએ સામે કરસનને જોઈ તેની તરફ ગડગડતી દોટ મૂકી. રૂખડીને આવતી જોઈ કરસન પણ દોડ્યો અને ચોકની વચમાં બંને એકબીજાને ભેટી પડ્યા. કરસનની આંખમાં આંસુ હતા તો રૂખડીની આંખોમાંથી પણ દડદડ આંસુ વહેતા હતા. કરસનના અવાજમાં ભારોભાર કરુણતા અને દર્દ સ્પષ્ટપણે વંચાતા હતા. “મારી રૂખડી..બેટા રૂખડી..તું કેમ છે? આપણી લેણાદેણી પુરી થઇ..તારા વગર નથી ફાવતું બટા..” એમ કહી કરસન ક્યાંય સુધી રૂખડીને પંપાળતો રહ્યો. ગામલોકો પણ આ ગાય અને ગોવાળના મિલનને કૌતુકતાથી નિહાળી રહ્યા હતા. ને અચાનક આકાશ માં કોણ જાણે ક્યાંથી કાળા ડિબાંગ વાદળો ના ઢગલા થવા લાગ્યા અને વીજળીના ઝબકાર વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો!!

– હર્ષદ પુજારા

Advertisements